સરદાર હોવું એટલે?
સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ.
સરદાર હોવું એટલે?
જ્યાં સુધી તમે સંમત ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ.
પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય…
સરદાર હોવું એટલે?
સંમત થઇ જાવ પછી એક જ ઝાટકે બધું છોડીને યા હોમ કરી કૂદી પડવું એ.
સરદાર હોવું એટલે?
સત્તાનાં રખેવાળ હોવું એ નહીં, પણ સરદાર હોવું એટલે “રખેવાળોની સત્તા હોવી” એ. સરદાર હોવું એટલે દેશને એક કરવો એવું જ નહીં પણ સરદાર હોવું એટલે ગાંધીની એક જ ઇચ્છા સામે સત્તાને તુચ્છ ગણી લેવી એ…
સરદાર હોવું એટલે?
અકબર, સિકંદર કે મહાનત્તમ ચંદ્રગુપ્ત મૌર્ય, આ બધાંએ પણ 560 રજવાડાંઓ જીત્યા ન્હોતા. એકલું કલિંગ જીતવા જતા અશોક આખે આખો નિર્દોષોનાં લોહીથી ખરડાઇ ગયો હતો. ૫૬૦ રજવાડાંઓ ‘જીતી લેનાર’ આ માણસની કફની પર નિર્દોષોનાં લોહીનું એક ટીપું પણ પડ્યું ન્હોતું.
“સમ્રાટો અને સરદારો વચ્ચેનો ફરક” આ જ હોય છે.
જ્યારે પણ તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાવ ત્યારે સરદારનું પૂતળું જોવા ના જશો,
સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો
સરદારની “અડીખમ તાકાત”ને જોવા જજો,
સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે ’સ્ટેચ્યૂ’ કહીને રોકી દીધી હતી એ સમજવા જજો…
“નક્કામા ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઇ શકાય” એ જોવા જજો…
જો તમે પૂતળું જ જોવા જવાનાં હોવ તો “સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતાં નહીં”!!
-એષા દાદાવાળા
સરદાર પટેલ એટલે?
Oct 31, 2021