KandaDungar-કનડા નો ડુંગર | rajput | મહીયા રાજપૂતોની ખાંભીઓ - mahiya rajputoni khambhi | junagadh Tourism

કનડા ડુંગરની ખાંભીઓ

By EditorInChief

‘શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું,
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’
– કવિ દાદ

જૂનાગઢના મેંદરડા નજીક કનડા ડુંગર પર એક ખુબ જ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલુ છે, જે આજથી આશરે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ જણાવે છે.

વાત છે ૨૮મી જાન્યુઆરી ૧૮૮૩ની, એ દિવસે જૂનાગઢના રસ્તાઓ ઉપર બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. એ સમયે બીજા વાહનો ન હતા ત્યારે બળદ જોતરેલા ગાડાંઓમાં જ માલ સમાન લઇ જવામાં આવતો. પણ તે દિવસે બધા ગાડાઓમાં કંઈક અલગ પ્રકારનો સમાન હતો. ગાડાઓમાં ભરેલા સામાનને જોઈ ભલભલા પથ્થર દિલ માણસોના કાળજા કંપી ગયા હતા. આ ગાડાઓમાં માણસના ૮૦થી વધારે કપાયેલા માથા ભર્યા હતા, ગાડાઓમાંથી લોહી વહી રહ્યું હતું અને રસ્તાઓ લોહીથી તરબોળ હતા. પણ ધડ વગરના આ માથા કોના હતા?

એ માથાં હતાં જૂનાગઢ નવાબ સામે ઉપવાસ આંદોલને બેઠેલા મહિયા રાજપૂતોના, અને એમના ધડ તો છેક ૩૫ કિલોમીટર દૂર આવેલા કનડા ડુંગરની ટોચે પડયા હતાં, નધણિયાતી અવસ્થામાં. ગીધ સમડી જેવા શિકારી પક્ષીઓ અને જંગલના જનાવરો હવે એ મૃતદેહોને ચૂંથી રહ્યાં હતાં.

પ્રખર ઈતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ ‘કનડાના કેર’ નામે એ હત્યાકાંડની નોંધ કરી છે અને મેઘાણીએ જેને ‘કનડાને રિસામણે’ તરીકે આલેખ્યો છે એ ક્રૂર હત્યાકાંડ જૂનાગઢ નવાબની  ફોજે કાવતરા અને દગાખોરીથી આચર્યો હતો.

વર્ષોથી સોરઠમાં મહિયા નામની વીર જાતિ વસે છે. મર્યાદિત વસતી ધરાવતી આ કોમનો ફેલાવો મુખ્યત્વે મેંદરડા, જેતપુર, માળિયા અને કેશોદ વિસ્તારમાં હતો. પ્રથમ મારવાડ અને પછી પાંચાળ પ્રદેશ તરફથી આવીને મહિયાઓ અહીં વસ્યા હતાં. એ વખતે જૂનાગઢ પર “બાબીવંશનું” રાજ હતું. મહિયાઓનું ખમીર, લડાયક વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખી ગયેલા જૂનાગઢના નવાબ શેરખાને ૧૭મી સદીના અંતમાં મહિયા રાજપૂતોને પોતાની સહાયમાં લીધા. મહિયાઓની વસતી હજાર બે હજારથી વધારે ન હતી. નવાબે તેમને જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારની ચોકી કરવાની ફરજ સોંપી હતી. એ રીતે મહિયા રાજપૂતોનું કામ નવાબની ફૌજ જેવું હતું. બદલામાં મહિયા રાજપૂતોને જમીન જાગીર મળતાં હતાં અને મહિયા રાજપૂતો પોતાને નવાબના જાગીરદારો સમજતા હતા.

એકાદ સદી સુધી નવાબ અને મહિયાઓની જુગલબંધી બરાબર ચાલી. ૧૯મી સદીની શરૂઆતમાં ઈતિહાસે કરવટ બદલવાની શરૂઆત કરી અને ૧૮૦૬માં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બ્રિટિશરોનું આગમન થયું. એજન્સી સરકાર નામે ઓળખાતા બ્રિટિશરોએ સ્થાનિક રાજાઓને રક્ષણની ખાતરી આપી. એટલે રાજાઓ રાજ્યના રક્ષણ માટે મોટી ફૌજ રાખતા હતા એ ઓછી કરે તો ચાલે એમ હતું. કેમ કે જે રાજાઓ અંગ્રેજ સરકારનું કહ્યું કરે એમને એજન્સી ગમે ત્યારે લશ્કરી મદદ કરવાની હતી. અંગ્રેજો પાસે આધુનિક હથિયાર હતા અને સેના પણ મોટી હતી. એટલે સૌરાષ્ટ્રના નાનાં-નાનાં રજવાડાંઓને આવારા તત્વોની રંજાડનો બહુ પ્રશ્ન રહેતો ન હતો. એ સંજોગોમાં જૂનાગઢ નવાબને મહિયા રાજપૂતો જેવા લડાયક યોદ્ધાઓની જરૂર ન રહી. રાતોરાત સ્થાનિક લડવૈયાઓને પડતાં મૂકી અંગ્રેજોના ખોળે બેસી ગયેલા રાજાઓએ પોતાના જાગીરદારોને પડતા મૂક્યા. એ ઘટનાક્રમથી મહિયાઓ અને નવાબ વચ્ચે અણબનાવની શરૂઆત થઈ.

નવાબી સેનાના મહત્વપૂર્ણ સભ્યો હોવાને નાતે નવાબે મહિયાઓને કેટલાક ગામો આપી રાખ્યા હતાં. એ ગામો જ મહિયાઓને મન પોતાનું રજવાડુ હતુ. અંગ્રેજોના જૂનાગઢમાં આગમન પછી તેઓ જમીનમાલિકી અંગેના નવા નિયમો બનાવી રહ્યાં હતાં અને અંગ્રેજોએ ૧૮૫૭ના વિપ્લવ પછી મહિયાઓને જમીન પર મહેસુલી કરવેરો લેવાની સૂચના પણ આપી. આ મહેસુલી કરવેરા સામે જ મહીયા રાજપૂતો કનડાના ડુંગર પર અહિંસક સત્યાગ્રહ પર બેઠા હતા. “સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કરવેરો વસૂલવા સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો”. જેમાં ૮૦ જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર ૨૮ જાન્યુઆરીની ૧૮૮૩ની વહેલી સવારે થયો હતો. ત્યારબાદ નવાબની ફોજે દરેક બલિદાનીના માથા કુહાડા વડે કાપી તેને ગાડાઓમાં ભર્યા અને જૂનાગઢ નવાબ મહાબતખાનને નજરાણુ ધરવા જૂનાગઢ લઇ ગયા.

કનડાનો નરસંહાર બીજા બધા તો કદાચ ભૂલી ગયા છે, પણ મહિયા રાજપૂતો નથી ભૂલ્યા. એટલે દર વર્ષે ૨૮મી જાન્યુઆરીએ મહિયાઓ કનડા પર આવે છે. એક સમયે ઘોડા પર બેસીને આવતા હતાં. આજે ચાલીને આવે છે. એક પછી એક સાત હરોળમાં ઊભેલી એ ખાંભીઓને સિંદૂર ચોપડે છે, દીવાઓ પ્રગટાવે છે, ધજા ચડાવે છે, પાઘડીનો છેડો ગળા ફરતે વીંટાળી ખાંભી તરફ ઝુકાવી નમન કરે છે અને મનોનમન એ સૂરાપૂરાઓને યાદ કરતા આંખોમાંથી દડ દડ આંસુડાં વહેતાં મૂકે છે.

ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે ૮૦થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના બલિદાનની અને તેમની વિરતાની.

આજેય કનડો એકલો ઊભો છે, ટોચ પર સિંદૂરિયા થાપા લગાવેલી ખાંભીઓ વર્ષો પહેલાંના હત્યાકાંડની મૂક સાક્ષી બનીને ઊભી છે અને તેમાંથી કદાચ કવિ દાદનું શૌર્ય સંભળાઈ રહ્યું છે. શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું

ઝવેરચંદ મેઘાણી દ્રારા રચિત સોરઠી બહારવટિયામાં આ કનડા ડુંગરની ખાંભીઓ પ્રસંગને વિસ્તાર પૂર્વક વર્ણવાયેલ છે.

સંદર્ભ

Leave a Comment

Your email address will not be published.

You may also like