Site icon Kalavad.com

ઓ હ્રદય – બેફામ

બેફામ-befam | બરકત વીરાણી - barkat virani | befam gazal - ગઝલ | milanna deepak

મિલનનાં દીપક – બેફામ

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઇ નહોતું એ છતાં સૌ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

–‘બેફામ’ બરકત વીરાણી

Exit mobile version