Site icon Kalavad.com

હમ્પી

monument hampi - હમ્પી સ્મારકો | hampi

હમ્પી ખાતેના સ્મારકો

હમ્પી શબ્દ મૂળ જૂની કન્નડ ભાષાના શબ્દ પમ્પા પરથી પ્રચલિત થયો છે જેનો અર્થ મહાન અથવા મોટું એવો થાય છે. હમ્પી, જેને હમ્પી ખાતેના સ્મારકોના જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે, જે પૂર્વ-મધ્ય કર્ણાટક, ભારત સ્થિત છે. હમ્પી ૧૪ મી સદીમાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી.

પર્શિયન અને યુરોપિયન મુસાફરો, ખાસ કરીને પોર્ટુગીઝ કહેવાતા ઇતિહાસકારો કહે છે કે હમ્પી અસંખ્ય મંદિરો, ખેતરો અને વેપારના બજારો ધરાવતું તુંગાભદ્ર નદીની પાસેનું એક સમૃદ્ધ, શ્રીમંત અને ભવ્ય શહેર હતું. તે બેંગ્લોરથી 376 કિલોમીટર અને હૈદરાબાદથી 385 કિલોમીટર છે. સૌથી નજીકનું નજીકનું વિમાનમથક 32 કિલોમીટર તોરણાગલ્લુના જિંદાલમાં છે જે બેંગ્લોર અને હૈદરાબાદ સાથે જોડાણ ધરાવે છે. બસો અને ટ્રેનો હમ્પીને ગોવા, સિકંદરાબાદ અને બેંગ્લોર સાથે પણ જોડે છે.

ઈસવીસન ૧૫૦૦ સુધીમાં, હમ્પી-વિજયનગર એ બેઇજિંગ પછીનું વિશ્વનું બીજું સૌથી મોટું મધ્યયુગીન શહેર હતું, અને તે સમયે ભારતનું સૌથી ધનિક, પર્શિયા અને પોર્ટુગલના વેપારીઓને આકર્ષિત કરતું શહેર હતું. વિજયનગર સામ્રાજ્યને મુસ્લિમ સલ્તનતોએ ભેગા મળીને પરાજિત પરાજિત કર્યું હતું; ત્યારબાદ ૧૫૬૫ માં સુલતાની સૈન્ય દ્વારા તેની રાજધાની હમ્પી પર કબજો કરવામાં આવ્યો, ભવ્ય સાંસ્કૃતિક અને સામાજિક વારસાના એ શહેરને તોડવામાં આવ્યું. મુસ્લિમ આક્રમણકારીઓ એ હમ્પીને ખંડેર બનાવી દીધું, ત્યારબાદથી હમ્પી ખંડેર જ રહ્યું. આજે પણ હમ્પી ના અવશેષો એ નગરની સમૃદ્ધિ અને સુવર્ણકાળનું વર્ણન કરે છે

આ સ્થળ પ્રારંભિક મધ્યયુગીન તીર્થ સ્થાન હતું જેને પમ્પાક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. તેનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણના કિશ્કિંધા કાંડમાં મળે છે, જ્યાં રામ અને લક્ષ્મણ હનુમાન, સુગ્રીવ અને વાંદરાની સેનાની મુલાકાત લઇ માતા સીતાની શોધમાં તેમનો સહકાર લે છે. રામાયણમાં વર્ણવેલ સ્થળ સાથે હમ્પી વિસ્તારની ઘણી નજીકના સામ્યતા છે. પ્રાદેશિક પરંપરા માને છે કે આ એ જ સ્થાન જેનો ઉલ્લેખ રામાયણમાં છે.

પ્રાચીનથી ૧૪મી સદી વચ્ચેનો સમયગાળો

સમ્રાટ અશોકના ઉડેગોલાનમાં મળી આવેલા શિલાલેખો સૂચવે છે કે હમ્પી પ્રદેશ ઈસ્વીસન પૂર્વે 3જી સદી દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતો. હમ્પીનો ઉલ્લેખ બાદામી ચાલુક્યના શિલાલેખોમાં પમ્પાપુરા તરીકે છે. ઘાટિયોં ઔર ટેકરીઓની વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વિગેરે અનેક ઇમારતો છે.

૧૦ મી સદી સુધીમાં, હમ્પી હિન્દુ રાજા કલ્યાણ ચાલુક્યના શાસન દરમિયાન ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું, જેના શિલાલેખોમાં કહેવામાં આવ્યું છે કે રાજાઓ વિરુપક્ષ મંદિરને જમીન અનુદાનમાં આપતા હતા. ૧૧ મીથી ૧૩ મી સદીના કેટલાક શિલાલેખો હમ્પી સ્થળ વિશે છે, જેમાં હમ્પા-દેવીની ભેટોનો ઉલ્લેખ છે. ૧૨મી અને ૧૪મી સદીની વચ્ચે, દક્ષિણ ભારતના હાયસાલા સામ્રાજ્યના હિન્દુ રાજાઓએ આશરે ઈસ્વીસન ૧૧૯૯ના શિલાલેખ અનુસાર દુર્ગા, હમ્પાદેવી અને શિવના મંદિરો બનાવ્યા હતા. આમ હમ્પી બીજું રાજવી નિવાસસ્થાન બન્યું. બર્ટન સ્ટેઇનના જણાવ્યા મુજબ, હોયસાલા-સમયગાળાના શિલાલેખો હમ્પીને ત્યાંના જૂના વિરુપક્ષ(શિવ) મંદિરના સન્માનમાં વિરુપક્ષપટ્ટન, વિજયા વિરુપક્ષપુરા જેવા વૈકલ્પિક નામોથી ઓળખતા હતા.

૧૪મી સદી અને ત્યાર પછીનો સમયગાળો

દિલ્હી સલ્તનતની સેનાઓ, ખાસ કરીને અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ બિન તુગલકની લશ્કરોએ દક્ષિણ ભારત પર આક્રમણ કર્યું અને ત્યાં ભારે લૂંટ ચલાવી હતી. દક્ષિણ કર્ણાટકમાં હોયસાલા સામ્રાજ્ય અને તેની રાજધાની દ્વારસમુદ્રને 14 મી સદીની શરૂઆતમાં અલાઉદ્દીન ખલજીની સૈન્ય દ્વારા લૂંટફાટ કરી અને નાશ કરવામાં આવી હતી.

ઉત્તર-મધ્ય કર્ણાટકનું કમ્પીલી સામ્રાજ્ય હોયસાલા સામ્રાજ્યના પતન પછી એક નાના સમયનું હિન્દુ રાજ્ય હતું જેની રાજધાની હમ્પીથી લગભગ ૩૩ કિલોમીટર દૂર હતી. કમ્પીલી સામ્રાજ્ય મુહમ્મદ બિન તુગલકના મુસ્લિમ સૈન્યના આક્રમણ પછી સમાપ્ત થયું . જ્યારે કમ્પીલી સૈનિકો તુગલકની સેના દ્વારા પરાજયનો સામનો કરી રહ્યા હતા ત્યારે કમ્પીલીની હિન્દુ મહિલાઓએ જૌહર (ધાર્મિક સમૂહ આત્મહત્યા) કર્યું. ઈસ્વીસન ૧૩૩૬ માં, વિજયનગર સામ્રાજ્ય કમ્પીલી રાજ્યના ખંડેરમાંથી ઉભરી આવ્યું. તે દક્ષિણ ભારતના એક પ્રખ્યાત હિન્દુ સામ્રાજ્યોમાં પરિણમ્યું જેણે ૨૦૦ વર્ષથી વધુ શાસન કર્યું.

વિજયનગર સામ્રાજ્યએ તેને હમ્પીની આસપાસ રાજધાની બનાવી, જેને વિજયનગર તરીકે ઓળખવામાં આવતું. ઘણા ઇતિહાસકારોના મતે સામ્રાજ્યના સ્થાપક હરિહર પ્રથમ અને બુક્કા પ્રથમ હતા,જેઓ કન્નડ હતા, અન્ય લોકો દાવો કરે છે કે તે તેલુગુ લોકો હતા, તેઓ પ્રથમ કાકાટિયા રાજ્ય સાથે સંકળાયેલા હતા, જેમણે તેના પતન દરમિયાન હોયસાલા સામ્રાજ્યના ઉત્તરીય ભાગનો નિયંત્રણ મેળવ્યુ હતું. ઈસ્વીસન ૧૩૩૬માં શહેરને વિદ્યાનગર કહેવાતું.

વિજયનગર સામ્રાજ્યએ માળખાકીય સુવિધાઓ અને મંદિરોનો વિસ્તાર કર્યો. નિકોલસ ગિયર અને અન્ય વિદ્વાનોના જણાવ્યા મુજબ, ઈસ્વીસન ૧૫૦૦ સુધીમાં હમ્પી-વિજયનગર એ બેઇજિંગ પછીનું વિશ્વનું બીજું સૌથી મોટું મધ્યયુગીન શહેર હતું. વિજયનગર શાસકોએ બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને કળાઓના વિકાસને સહકાર અને સમર્થન આપ્યું, મજબૂત સૈન્ય જાળવ્યું અને તેના ઉત્તર અને પૂર્વમાં મુસ્લિમ સલ્તનત સાથે ઘણા યુદ્ધો લડ્યા. તેઓએ રસ્તાઓ, સિંચાઈ યોજનાઓ, કૃષિ, ધાર્મિક ઇમારતો અને જાહેર માળખાકીય સુવિધાઓથી લોકોનું જીવન સગવડ ભર્યું બનાવ્યું હતું.

યુનેસ્કો જણાવે છે કે વિજયનગર સામ્રાજ્યમાં કિલ્લાઓ, નદીઓની સુવિધાઓ, શાહી અને પવિત્ર સંકુલ, મંદિરો, થાંભલાઓ, મંડપ (લોકોને બેસવા માટે), સ્મારક માળખાં, પ્રવેશદ્વારો, ચેકપોસ્ટ, જળ માળખાં અને બીજું ઘણું બઘી સગવડો ઉભી કરાઇ હતી. અહીંના મંદિરો મુખ્યત્વે આઇહોલ-પટ્ટડાકલ શૈલીઓ અનુસાર દક્ષિણ ભારતીય હિન્દુ કળા અને સ્થાપત્યને અનુસરતા હતા. હમ્પીના કારીગરોએ કમળ મહેલમાં ભારત-ઇસ્લામિક સ્થાપત્યના નમૂનાઓ, જાહેર સ્નાન અને હાથીખાના પણ ઉભા કર્યા હતા.

પોર્ટુગીઝ અને પર્શિયન વેપારીઓ દ્વારા હમ્પીના ઐતિહાસિક સંસ્મરણો મુજબ, આ શહેર એક ભવ્ય મહાનગર હતું; તેઓએ હમ્પીને સૌથી સુંદર શહેરોમાંથી એક તરીકે ઓળખાવતા હતા. સમૃદ્ધ અને માળખાગત સુવિધાઓ વચ્ચે , મુસ્લિમ સલ્તનત અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચેના મુસ્લિમ-હિન્દુ યુદ્ધો ચાલુ રહ્યા. ૧૫૬૫માં, તાલિકોટાના યુદ્ધમાં, મુસ્લિમ સુલતાનોનું ગઠબંધન વિજયનગર સામ્રાજ્ય સામેના યુદ્ધમાં જોડાયું. ત્યારબાદ હમ્પી અને મહાનગર વિજયનગરના ઇમારતી માળખાનો ભારે વિનાશ થયો. યુદ્ધ પછી છ મહિના હમ્પીને લૂંટવામાં આવ્યું, સમગ્ર હમ્પીમાં હિંસા અને હત્યાઓ કરવામાં આવી અને ત્યારબાદ હમ્પીને સળગાવી દેવામાં આવ્યું, અને છેવટે ખંડેર તરીકે છોડી દેવામાં આવ્યું, અત્યારે હમ્પીના અવશેષો વિજયનગર સામ્રાજ્યના સુવરણકાળની સાક્ષી આપતા દેખાય છે. જેને હવે હમ્પીના સ્મારકોનું જૂથ પણ કહેવામાં આવે છે.

હમ્પીના સ્મારકો

વિજય વિઠ્ઠલ મંદિર
શિલા-રથ
Exit mobile version