Site icon Kalavad.com

સૂના સમંદર ની પાળે રે (ઝવેરચંદ મેઘાણી)

suna samadar ni pale-સૂના સમદરની પાળે | zaverchand meghani -ઝવેરચંદ મેઘાણી

suna samadar ni pale re

(સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.)

 

સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે,
સૂના સમંદરની પાળે…

નો’તી એની પાસે કો માડી, રે નો’તી એની પાસે કો બે’ની;
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે,
સૂના સમદરની પાળે…

વેગે એનાં લોહી વ્હેતાં’તાં, રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં;
બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે,
સાથી સમદરની પાળે…

ઝૂકેલા એ વીરને કાને,રે એકીલા એ વીરને કાને;
ટૂંપાતી જીભનાં ત્રુટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે,
સૂના સમંદરની પાળે…

વીરા ! મારો દેશડો દૂરે, રે વીરા! મારું ગામડું દૂરે;
વા’લીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી એ,
સૂના સમદરની પાળે…

એ ને એંધાણી કે’જે, રે એ ને નિશાનીએ કે’જે;
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે,
સૂના સમંદરની પાળે…

લીલૂડા લીંબડા હેઠે, રે લીલૂડા લીંબડા હેઠે;
ભેળાં થૈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો રે,
સૂના સમંદરની પાળે…

માંડીને વાતડી કે’જે, રે માંડીને વાતડી કે’જે;
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે,
સૂના સમંદરની પાળે…

કે’જે સામા પાવ ભીડન્તા, રે કે’જે સામા ઘાવ ઝીલન્તા;
ઊભા’તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે,
સૂના સમંદરની પાળે…

કે’જે એવાં જુદ્ધને જોતો, રે કે’જે એવાં જુદ્ધને જોતો;
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે,
સૂના સમંદરની પાળે…

કે’જે ભાઈ! આરતી-ટાણે,રે કે’જે ભાઈ! ઝાલરું-ટાણે;
લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે,
સૂના સમંદરની પાળે…

કે’જે એવે શોભતે સાથે, રે કે’જે વે રૂડલે સાથે;
પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે,
સૂના સમંદરની પાળે…

કે’જે એવા ભાંડરુ ભેળો, રે કે’જે એવા મીંતરું ભેળો;
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમશું પોઢ્યો રે,
સૂના સમંદરની પાળે…

બીજું મારી માતને કે’જે, રે બીજું મારી મા’તને કે’જે;
રોજો મા, માવડી મોરી ! ભાઈ મોટેરા પાળશે તુંને રે,
સૂના સમંદરની પાળે…

માડી! હું તો રાનપંખીડું, રે માડી ! હું તો વેરાન પંખીડું:
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો’તો જીવ તોફાની રે;
સૂના સમંદરની પાળે…

માડી! મેં તો બાપને ખોળે,રે માડી! મેં તો બાપને ખોળે;
બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે,
સૂના સમંદરની પાળે…

બાપુએ કેરે મોત-બિછાને, રે બાપુ કેરે મોત બિછાને;
વ્હેચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે,
સૂના સમંદરની પાળે…

ભાઇયું મારા સોનલાં માગે, રે ભાઇયું મારા રૂપલાં માગે;
માગી’તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે,
સૂના સમંદરની પાળે…

દા’ડી એને ટોડલે ટાંગી, રે દા’ડી એને ટોડલે ટાંગી;
સંધ્યાનાં તેજશું રૂડી ખેલતી જોતો હું બાળ ઘેલો રે,
સૂના સમંદરની પાળે…

એવાં એવાં સુખ સંભારી, રે એવાં એવાં સુખ સંભારી;
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે,
સૂના સમંદરની પાળે…

ત્રીજું મારી બે’નને કે’જે, રે ત્રીજું મારી બે’નને કે’જે;
બે’ની બા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે,
સૂના સમંદરની પાળે…

સામૈયાની શોભતી સાંજે, રે સામૈયાની શોભતી સાંજે;
બે’નીબા! વીર વિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે,
સૂના સમંદરની પાળે…

જેવંતા એ રણજોદ્ધાને, રે જેવંતા એ રણજોદ્ધાને;
ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે!
સૂના સમંદરની પાળે…

જોજે બે’ની! હામ નો ભાંગે, રે જોજે બે’ની! વેદના જાગે;
તુંયે રણબંકડા કેરી બે’ન ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમંદરની પાળે…

બે’ની! કોઈ સોબતી મારો,રે બે’ની ! કોઈ સોબતી મારો;
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે,
સૂના સમંદરની પાળે…

બે’ની મારી, ફાળ મા ખાજે!, રે બે’ની! ઝંખવૈશ મા લાજે;
માયાળુ! મન કૉળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
સૂના સમંદરની પાળે…

બે’નીબા! આ તેગ બાપુની, રે બે’નીબા! આ તેગ બાપુની;
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે,
સૂના સમંદરની પાળે…

એવાં વા’લાં ધામ સંભારી, રે એવાં મીઠાં નામ સંભારી;
રાજસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે,
સૂના સમંદરની પાળે…

બંધુ મારા! એક છે બીજી, રે બંધુ મારા! એક છે બીજી;
તોફાની આંખ બે કાળીઃ ઓળખી લેજે એ જ એંધાણે રે,
સૂના સમંદરની પાળે…

બંધુ! એનું દિલ મસ્તાનું, રે બેલી! એનું દિલ મસ્તાનું;
મસ્તાના ફૂલ હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાયું રે,
સૂના સમંદરની પાળે…

કે’જે એને રાત આ છેલ્લી, રે કે’જે એને વાત આ છેલ્લી;
કે’જે કે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે,
સૂના સમંદરની પાળે…

કે’જે મારું સોણલું છેલ્લું, રે કે’જે મારું સોણલું છેલ્લું;
એવાને કાંઠડે આપને જોડલે ઊભાં દિન આથમતે રે,
સૂના સમંદરની પાળે…

રેવા ઘેરાં ગીત ગાતી’તી, રે રેવા ઘેરાં ગીત ગાતી’તી;
ગાતાં’તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે,
સૂના સમંદરની પાળે…

પ્હાડે પ્હાડ આથડ્યાં ભેળાં, રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
જે તારી આંખડી પ્યાસી શું ય પીતી’તી મુખડે મારે રે!
સૂના સમંદરની પાળે…

કૂણી તારી આંગળી કેરા, રે કૂણી તારી આંગળી કેરા;
ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે,
સૂના સમંદરની પાળે…

એવાં એવાં સોણલાં જોતો, રે એવાં એવાં સોણલાં જોતો;
રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે.
સૂના સમંદરની પાળે…

લાગ્યો એનો કંઠ રૂંધાવા, રે લાગી એની જીભ ટૂંપાવા;
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે,
સૂના સમંદરની પાળે…

સાથી એની આગળ ઝૂકે, રે સાથી એનું શિર લ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ તિખારો વીર કોડાળો જાય વિસામે રે,
સૂના સમંદરની પાળે…

ચાલી આવે આભમાં ચંદા, રે ચાલી આવે આભમાં ચંદા;
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે,
સૂના સમંદરની પાળે…

ઠારોઠાર ખાંદણાં રાતાં, રે લારોલાર ઢૂંઢ ને માથાં;
કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે,
સૂના સમંદરની પાળે…

ઊભી ઊભી ન્યાળતી આઘે, રે ઊભી ઊભી ન્યાળતી આઘે;
રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે,
સૂના સમંદરની પાળે…

ઝવેરચંદ મેઘાણી

 

Exit mobile version