જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું,
એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું!
આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર,
બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું!
ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી,
મુફલિસ ખરો ધનિક છે, સમજી લે આજ તું!
આવે છે મનમાં દોડીને આવેગ હર ઘડી,
પરપોટા સૌ ક્ષણિક છે, સમજી લે આજ તું!
આંખોને છાંયે બેસવા આવી ચડે કદી,
શમણાં તો જગપથિક છે, સમજી લે આજ તું!
હૈયામાં ધરબી રાખજે ભીતરની ચીસને,
ચાહતની એ પ્રતીક છે, સમજી લે આજ તું!
‘અંજુમ’ ગઝલ તો બંદગીનું બીજું નામ છે,
શાયરથી રબ નજીક છે, સમજી લે આજ તું!
ઠીક છે, સમજી લે આજ તું!