Site icon Kalavad.com

મહારાણા પ્રતાપ

Maharana pratap - મહારાણા પ્રતાપ | રાજસ્થાન - Rajasthan | Pali city - પાલી શહેર | મહારાણા ઉદયસિંહ - maharana udaysingh

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જયવંતા કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ માં થયો હતો. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મુગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા.

દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા પરંતુ મહારાણા પ્રતાપ ની વીરતા અને માતૃભૂમિ પ્રત્યેની ભાવના સામે અકબરનું બળ કામ ના આવ્યું. જિંદગીના કપરા દિવસોમાં ભામાશાહ નામના વાણીયાએ મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપ્યું. આ અનુદાન આપીને ભામાશાહ અમર થઈ ગયા. જિંદગીના અંત સુધી ચોમેર ઝળહળતી મોગલ સલ્તનતને તેમણે ક્યારેય માથું ના નમાવ્યું. તેમણે એકલપંડે મોગલ સલ્તનતના દાંત ખાટા કર્યા હતા.

ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ આધીન પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું.

મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.

શાસન કાળ ૧૫૬૮-૧૫૯૭
જન્મ મે ૯, ૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ)
જન્મ સ્થળ પાલી, રાજસ્થાન
અવસાન જાન્યુઆરી ૨૯, ૧૫૯૭
પૂર્વગામી મહારાણા ઉદય સિંહ (બીજા)
વંશ/ખાનદાન સૂર્યવંશી,રાજપુત
પિતા મહારાણા ઉદય સિંહ (બીજા)
માતા મહારાણી જયવંતાબાઈ
ધર્મ હિંદુ

મહારાણા પ્રતાપ વિશેની અજાણી વાતો

Exit mobile version