નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો. તેમના લગ્ન ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.
સન્માન
તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું. ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.
જીવનનાં લોકપ્રિય પ્રસંગો
- પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થવાથી નરસિંહ મહેતા ઘર છોડી એકાંતમાં આવેલ ગોપીનાથ મહાદેવ મંદિરમાં ચાલ્યા ગયા. ત્યાં ઉપાસના કરવાથી મહાદેવજી પ્રગટ થયા અને એમને રાસલીલાનાં દર્શન કરાવ્યાં. શ્રીકૃષ્ણ-રાધાનાં દર્શન કર્યા ત્યારથી તેમને કૃષ્ણભક્તિની લગની લાગી. પોતાની અનુભૂતિઓને તેમણે શબ્દના માધ્યમ દ્વારા વહેતી કરી. એમણે આશરે ૧૫૦૦ થી વધારે પદો રચ્યાં જેમાં શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા ભાવાત્મક પ્રસંગો લખેલ. ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના વૈષ્ણવ જન, જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી. સાંસારિક જીવનનો બોજ પણ ઈશ્વરને સમર્પિત કરનાર નરસિંહના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા કે જેણે તેમની અનન્ય ભકિતનાં દર્શન કરાવ્યાં.
- નરસિંહની દીકરી કુંવરબાઇના મામેરા વખતે વડસાસુએ લાંબું લિસ્ટ લખીને કુંવરબાઇના હાથમાં આપી દીધું. કુંવરબાઇ રડતાં-રડતાં પિતાજીની પાસે આવ્યાં ત્યારે નરસિંહ મહેતા એક જ વાકય બોલ્યા, ‘મારો કૃષ્ણ બેઠો છે પછી શાની ચિંતા’. ભગવાન દ્વારિકાધીશે ખરેખર લિસ્ટમાં લખેલી બધી જ વસ્તુ તેમના આંગણે પહોંચાડી હતી.
- એક વાર એમના વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને’. ત્યારે વેવાણે મહેણું માર્યું, ‘તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’. મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો.
- પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા લઇને શામળશા શેઠના નામે હૂંડી લખી આપી અને ભગવાન દ્વારિકાધીશે શામળશા શેઠનો વેશ ધરીને હૂંડીનાં બધાં જ નાણાં યાત્રીઓને ચૂકવી આપ્યાં.
- શામળશાનો વિવાહ, પત્નીનું મરણ, પિતાજીનું શ્રાદ્ધ, બ્રાહ્મણ હોવા છતાં હરિજનવાસમાં ભજન ગાવા બદલ જ્ઞાતિએ કરેલો બહિષ્કાર આવા અનેક પ્રસંગોએ એમની શ્રદ્ધા હાલી નહીં પરંતુ દૃઢ જ રહી અને એથી ચમત્કારોનું સર્જન થયું.